સંવેદનશીલ સમયમાં પ્રજાને અવળે માર્ગે દોરનારા પક્ષ અને નેતાઓ રાષ્ટ્રદ્રોહ કરે છે !


પોતાને જગત જમાદાર સમજતા અમેરિકાના નાકે ફીણ લાવી દેનારું ઇરાન હજુ સુધી અણનમ છે. અમેરિકા ઉપરાંત ઇઝરાયેલને પણ હંફાવી રહ્યું છે. ઇરાને હોર્મુઝ ખાડી વિસ્તાર બંધ કરી દેતાં અત્યારે સમગ્ર વિશ્વમાં રાંધણગેસ અને પેટ્રોલ-ડિઝલની તંગી સર્જાવાની દહેશત છે. જે પરિસ્થિતિ અન્યત્ર છે એજ આપણે ત્યાં છે. જો કે નિયમિત ટીવી સમાચાર ચેનલ્સ જોતાં લોકોને જાણ છે કે ઇરાને ભારતીય જહાજો અને ઓેઇલ ટેન્કર્સને હોર્મુઝ ખાડીમાંથી સહીસલામત પસાર થવા દેવાની પરવાનગી આપી છે. બે ભારતીય ઓઇલ ટેન્કર્સ તો આ તરફ આવવા રવાના પણ થઇ ચૂક્યા છે. 

આમ છતાં દેશમાં કેટલેક સ્થળે રાંધણગેસની બૂમ ઊઠી છે. એમાં વાસ્તવિકતા કરતાં વિપક્ષોની વિકૃત ચાલબાજી વધુ જવાબદાર છે. જરા જુદી રીતે વાત કરીએ. ગુજરાતમાં આપા ગીગાનો ઓટલો, જલારામ બાપાનું વીરપુર અને બજરંગદાસ બાપાના બગદરામાં આજે પણ રોજ હજારો લોકો ભોજન કરે છે. ક્યાંય કોઇ તકલીફ પડ્યાનું સાંભળ્યું નથી. બીજી બાજુ ઉત્તર ભારતમાં ગેસ નથી ગેસ નથી એવો તદ્દન ખોટો ગોકીરો થયો છે. એકાદ બે અન્નક્ષેત્રમાં રામ રોટી બંધ થઇ છે. આવી ખોટી હો હા કરવામાં લાલ ટોપીવાળા અખિલેશ યાદવ અને કોંગ્રેસનો ફાળો બહુ મોટો છે.

ખરું પૂછો તો આવા સંવેદનશીલ સમયે પ્રજાને સાચી માહિતી આપવાની તેમજ ખોટો ભય દૂર કરવાની જવાબદારી તમામ રાજકીય પક્ષો તેમજ નેતાઓની છે.  એને બદલે આપણા વિરોધ પક્ષો વર્તમાન પરિસ્થિતિમાં પોતાનો રાજકીય રોટલો શેકી લેવા તલપાપડ બન્યા છે. ટૂંક સમયમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સહિત ત્રણેક રાજ્યોમાં વિધાનસભાન ચૂંટણી આવી રહી છે. એમાં રાજકીય લાભ ખાટી જવાની આ મનમેલી મુરાદ છે. કદાચ, યસ્સ કદાચ જ, કોઇ પ્રદેશમાં રાંધણ ગેસ કે પેટ્રોલ ડિઝલની કામચલાઉ તંગી સર્જાઇ હોય તો એને માટે હાલની કેન્દ્ર સરકારને શી રીતે દોષિત ઠરાવી શકાય ?

સૌથી પહેલો મુદ્દો એ છે કે આ યુદ્ધ ન તો ભારત સરકારે શરૂ કરાવ્યું છે કે ન તો હોર્મુઝની ખાડી પર ભારતનો કોઇ કાબુ છે. ખરેખર તો સામાન્ય માણસના મનમાં આવી બાબતે કોઇ ડર હોય તો પીઢ નેતાઓએ સંગઠિત થઇને એ ડર દૂર કરવો જોઇએ. એને બદલે સંસદામાં અને શેરીઓમાં આ વિપક્ષી નેતાઓ રાડારાડ કરી રહ્યા છે કે ગેસ નથી, ગેસ નથી. વિપક્ષોના ટેકેદાર હોય એવા વિતરકો કૃત્રિમ તંગી સર્જી રહ્યા છે. આ લોકો બૂમબરાડા મારી રહ્યા છે કે એને માટે મોદી સરકાર જવાબદાર છે. જરાક વિચારો. આ નેતાઓ ચીન કે રશિયામાં હોત અને આવા બૂમબરાડા કરતાં હોત તો એ લોકો લેબર કેમ્પ (ટોર્ચર કેમ્પ એમ વાંચો) માં સબડતા હોત. 

આવા સમયમાં દેશને અખંડિત અને અણનમ રાખે એવા નેતાઓની જરૂર હોય છે. એને બદલે દેશમાં અરાજકતા અને અસ્થિરતા સર્જાય એવું કામ આ લોકો કરી રહ્યા છે. આ નેતાઓનાં વાણીવર્તન એમને બાલિશ કે નાદાન ઠરાવે છે. સમજુ લોકો જાણે છે કે આ નેતાઓ શાસન કરવાને લાયક નથી. આવા સમયે ન કરે નારાયણ ને અખિલેશ અને રાહુલ ગાંધી વડા પ્રધાન હોય તો દેશની કેવી દયનીય સ્થિતિ થાય એ વિચારવાની જરૂર છે. હજુ ન તો ખરેખર રાંધણ ગેસની અછત સર્જાઇ છે કે ન તો પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થયો છે. અત્યારેજ પેલી બાળવાર્તાની જેમ વાઘ આવ્યો રે વાઘ આવ્યોની રાડો પાડતા આ લોકો ખરેખર વાઘ આવે તો શું કરશે એની કલ્પના કરતાં ધ્રૂજી જવાય છે. આ લોકો ચૂંટણી જીતી પણ જાય તોય નાગરિકોનું કલ્યાણ કરવાની ત્રેવડ તેમનામાં નથી.

રહી વાત આપણા સૌની. અત્યારે યુદ્ધકાલીન વાતાવરણમાં આપણે સૌએ ધીરજ અને સ્વસ્થતા જાળવી રાખવાની તાતી જરૂર છે. ખોટો ગભરાટ કે અફવાથી દોરાઇને ઉશ્કેરાઇ જવાથી સરવાળે નુકસાન આપણને જ થવાનું છે. એને બદલે શાંતિથી પરિસ્થિતિ જોયા કરવી એજ શ્રેષ્ઠ વિકલ્પ છે. એક પૂજ્ય જૈન મુનિ મહારાજ કહે છે એમ આ દિવસો પણ રહેશે નહીં, ધીરજ રાખો.

 

Comments