ચલો બુલાવા આયા હૈ, રાહુલભૈયાને બુલાયા હૈ... રવિવારે પહેલી નવેંબરે કોંગ્રેસના રાહુલ ગાંધીએ પાટનગર નવી દિલ્હીના રામલીલા મેદાનમાં યોજેલી રેલી ઘણી રીતે રમૂજનું નિમિત્ત બની. દિવાળીની પૂર્વસંધ્યાએ સારા વકરાની આશાએ દુકાન ખોલવા ઇચ્છતા વેપારીઓની વિનંતિને ગણકાર્યા વિના રાહુલે સ્તરેધાર્યું કર્યું. કમ સે કમ વેપારીઓના મત તો કોંગ્રેસને નહીં મળે. એ વાત ચોક્કસ. રાહુલની સૌથી મોટી સિદ્ધિ એ કે પરસ્પર વિરોધી એવા પોણો ડઝન પક્ષોને એ મંચ પર ભેગા કરી શક્યા. નવેક નેતાઓએ ભાષણ પણ કર્યાં.
કેટલા લોકો હાજર હતા આ રેલીમાં એ પ્રશ્ન વિવાદ સર્જે એવો છે. દિલ્હીનું રામલીલા મેદાન બાર એકર જમીનમાં વિસ્તરેલું છે. ભોંય પર પાથરણાં નાખીને બેસાડો તો પચાસ હજાર વ્યક્તિ બેસી શકે એટલી એની ક્ષમતા છે. ખુરસી પર બેસાડો તો ત્રીસથી ચાલીસ હજાર જણ બેસી શકે એવી સગવડ છે. લાખો લોકો રેલીમાં ઉમટ્યા એ ટાઢા પહોરનું ગપ્પું.
સભાજનો કરતાં લગભગ પચીસ ફૂટ દૂર સ્ટેજ બનાવેલું. સભાજનો મંચ સુધી પહોંચી ન શકે એવી જડબેસલાખ સિક્યોરિટી હતી. આ મંચ પર બિરાજેલા નેતાઓએ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇની પેલી આપના અઢાર છે...વાળી કવિતા યાદ કરાવી દીધી. જમ્મુ કશ્મીર તરફથી બે નેતા હતા- નેશનલ કોન્ફરન્સના ડૉક્ટર ફારુખ અબ્દુલ્લા અને પીડીપીના મહેબૂબા મુફ્તી. મજાની વાત એ છે કે જમ્મુ કશ્મીરના મુખ્ય પ્રધાન અને ફારુખ અબ્દુલ્લાના પુત્ર ઉમર અબ્દુલ્લાએ (અને અલબત્ત, શરદ પવારનાં સાંસદ પુત્રી સુપ્રિયા પવારે) તાજેતરમાં મિડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન- ઇવીએમમાં કશી ગેરરીતિ નથી. અમને ઇવીએમ સામે કોઇ ફરિયાદ નથી. છતાં ફારુખ અબ્દુલ્લાની હવે રહી રહીને (સાઠે નહીં, પણ) 89 વર્ષની ઉંમરે બુદ્ધિ નાઠી. તાજેતરમાં એમણે બાફ્યું કે પાકિસ્તાન કશ્મીરી પ્રજાનું ધ્યાન રાખે છે, લો બોલો !
આપના અઢાર છે કવિતા યાદ આવવાનું કારણ બીજું છે. આ બધાંને કંઇ રાહુલ ગાંધી પર પ્રેમ ઊભરાઇ જતો નથી. આ દરેક નેતા પોતપોતાના સ્વાર્થ માટે રેલીમાં આવેલા. દરેકે તાજેતરની ચૂંટણીમાં પરાજય મેળવ્યો છે. રાહુલ તો બોલ્યા કે જ્ઞાનેશ કુમાર મારા દુશ્મન નથી. પાછું આ રેલીમાં બોલ્યા કે જ્ઞાનેશ કુમાર જેલમાં જશે. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને ભાગી જવા નહીં દઇએ, જેલમાં મોકલીશું. પહેલાં સત્તા તો મેળવો ભલા'દમી ! આ કંઇ બાંગ્લા દેશ કે નેપાળ નથી. બાંગ્લા દેશની વસતિ આશરે અઢાર કરોડ અને નેપાળની વસતિ આશરે ત્રણ કરોડ. એના કરતાં તો આપણા ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોની વસતિ વધુ છે. દેશની કુલ વસતિ આશરે એક અબજ ચાલીસ કરોડ છે. તમે બે પાંચ કરોડ લોકો દ્વારા હિંસક આંદોલન અને અરાજકતા સર્જીને રેજિમ ચેંજ કરી ન શકો. અને હા, દેશ છોડીને ભાગી કોણ જાય ? જેની પાસે બે દેશના પાસપોર્ટ અને નાગરિકત્વ હોય. આ શરત સૌથી પહેલાં રાહુલ ગાંધી અને એમનાં પૂજ્ય માતુશ્રીને લાગુ પડે છે. તાજેતરમાં અલાહાબાદ હાઇકોર્ટે રાહુલને બબ્બે દેશના પાસપોર્ટ રાખવા માટે જવાબદાર ઠરાવીને જાહેરમાં ઝાટક્યા હતા.
સૌથી રસપ્રદ વાત એ કે અસદુદ્દીન ઓવૈસી જેવો એક પણ પાવરફૂલ મુસ્લિમ નેતા આ રેલીમાં નહોતો. સમાજવાદી પક્ષના લાલ ટોપીવાળા અખિલેશને એ જ પેટમાં દુઃખે છે. ન કરે નારાયણ અને 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતદારો વહેંચાઇ જાય તો અમારું શું થાય એ વાતે અખિલેશની નીંદરું વેરણ થઇ ગઇ છે. લગભગ એવીજ સ્થિતિ તેજસ્વી યાદવની છે. એક સમયે લાલુ યાદવના નામના સિક્કા પડતા હતા. આજે યાદવ પરિવારમાં યાદવાસ્થળી રહી છે. લાલુ ઓશિયાળા મોઢે આ કુટુ્ંબલીલા જોઇ રહ્યા છે.
એક ટીવી ચેનલે આ રેલીને શિવજી કી બારાત તરીકે ઓળખાવી હતી. સચોટ વર્ણન કહેવાય. કૈલાસપતિ ભગવાન શિવ ઉમાને પરણવા નીકળ્યા ત્યારે જે બારાતીઓ હતા એવા આ પક્ષો ચૂંટણી ટાણે બેઠકોના મુદ્દે સહમતી સાધી શકે તોય ઘણું.


Comments
Post a Comment