આ પંક્તિ કયા કવિની છે એની આ લખનારને જાણ નથી. પણ આજની ઘડીએ આ પંક્તિ ખૂબ સૂચક બની રહે છે. જળની બહાર છટપટતી તરફડતી માછલીની જેમ વિપક્ષો અને ખાસ તો કોંગ્રેસ પક્ષ સત્તા વિના તરફડી રહ્યો છે. હાલની કેન્દ્ર સરકાર દેશહિતનું કાર્ય કરે છે કે નહીં એ જુદો વિષય છે. અત્યારે સૌથી વધુ આત્મનિરીક્ષણ કોંગ્રેસે કરવાની તાતી જરૂર છે. થોડા કડવા શબ્દોમાં કહું તો પક્ષનું ડેથ વૉરંટ લખાઇ જાય એ પહેલાં કોંગ્રેસેકોંગ્રેસ એકવાર આયનામાં પોતાની જાતને નીરખી લેવાની જરૂર છે. કેન્દ્રમાં ભાજપનું શાસન તો છેક 2014માં આવ્યું. વડા ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર છેક 2025માં આવ્યા. એ પહેલાં કોંગ્રેસ પક્ષ એક પછી એક રાજ્ય ગુમાવતો રહ્યો. એનું શું કારણ ? એ સવાલનો જવાબ કોંગ્રેસના વડીલ નેતાઓએ શોધવાનો છે. જરા જુઓ આયનામાં.
શરૂઆત ક્યાંથી થઇ ? આવો, જરા વિહંગાલોકન કરીએ. દક્ષિણના તામિલનાડુમાં છેલ્લાં 59 વર્ષથી કોંગ્રેસનું શાસન નથી. એનો અર્થ એ કે આઝાદી પછીના પહેલા પંદર વર્ષમાંજ કોંગ્રેસે દક્ષિણના લોકોનો વિશ્વાસ ગુમાવવાનું શરૂ કરી દીધેલું. પંડિત જવાહરલાલ નહેરુના અવસાન પછી થોડો સમય ગુલઝારીલાલ નંદા અને ત્યારબાદ લાલ બહાદૂર શાસ્ત્રીજી વડા પ્રધાન હતા. આ એવો સમયગાળો હતો જ્યારે ધીમે ધીમે કોંગ્રેસની વગ ઘટવાની શરૂઆત થઇ ગયેલી.
બીજા ક્રમે આવે પશ્ચિમ બંગાળ. આ રાજ્યમાં છેલ્લાં ઓગણપચાસ વર્ષથી કોંગ્રેસનું શાસન નથી. આ એ રાજ્ય છે જેના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થ શંકર રેએ ઇંદિરા ગાંધીએ 1975ના જૂનમાં લાદેલી કટોકટીનો મુસદ્દો તૈયાર કરેલો. ખુદ્દાર બંગાલી પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો તે આપ્યો. અઢી ત્રણ દાયકા લગી માર્ક્સવાદીઓને સહન કર્યા, લગભગ દોઢ દાયકા લગી લઘુમતી પ્રેમી મમતાને સહન કર્યાં. આજ સુધી કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં ચૂ્ંટણી જીતી શકી નથી.
એક સમયે એવી માન્યતા હતી કે ઉત્તર પ્રદેશ દેશને વડા પ્રધાન આપે તો દક્ષિણ ભારત રાષ્ટ્રપતિ આપે અને ઉત્તર પ્રદેશ રાષ્ટ્રપતિ આપે તો દક્ષિણ ભારત વડા પ્રધાન આપે. એ ઉત્તર પ્રદેશમાં છેલ્લાં 38-39 વર્ષથી કોંગ્રેસ પક્ષ ચૂંટણી જીતી શક્યો નથી. બિહાર અને ગુજરાતમાં છેલ્લાં છત્રીસ વર્ષથી કોંગ્રેસ પક્ષ સતત ચૂંટણી હારતો આવ્યો છે. મહારાષ્ટ્ર, ઓરિસા અને કેરળમાં પણ કોંગ્રેસે ધબડકો વાળ્યો છે. આ બધાં વર્ષોમાં જ્ઞાનેશ કુમાર ક્યાં વડા ચૂંટણી કમિશનર હતા, વારુ ? તાજેતરના જેન ઝીના કહેવાતા આંદોલન પછી કોઇએ સરસ રમૂજ કરેલી. એનો સાર એટલો જ હતો કે રેજિમ બદલવાની જરૂર નથી, નેતા બદલવાની જરૂર છે. કોંગ્રેસી યુવા પેઢી આ મુદ્દો જેટલો જલદી સમજશે એટલું કોંગ્રેસનું ભવિષ્ય સુધરવાની શક્યતા ઊજળી થશે.
વાસ્તવિકતા એ છે કે મોટા ભાગના વિપક્ષી નેતાઓ અગાઉ શાસન કરી ચૂક્યા છે. કોંગ્રેસની જેમ માયાવતી અને અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે. મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે. લાલુ પ્રસાદ યાદવનો પરિવાર બિહારમાં રાજ કરી ચૂક્યો છે. આ તમામ પક્ષોએ એક યા બીજા કારણસર સ્થાનિક પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. સત્તા હાથમાંથી સરકી ગઇ એટલે મેવા ખાવાની તક પણ અલોપ થઇ ગઇ. એટલે આ બધાંને ભાજપનું શાસન ખૂંચે છે.
ખેર, આ લખાણનો હેતુ તો કોંગ્રેસને આયનો દેખાડવાનો હતો. એક સમયે સમગ્ર દેશમાં કોંગ્રેસનું શાસન હતું. આજે આંગળીના વેઢે ગણી શકાય એટલાં રાજ્યોમાં કોંગ્રેસનું શાસન છે. ભાજપને, ચૂંટણી પંચને કે ઇવીએમને દોષ દીધા વિના તમે આત્મમંથન કરો કે છેલ્લાં પચાસ પંચાવન વર્ષથી અમે ચૂંટણી કેમ જીતી શકતા નથી ? સમર્થનવિહોણા એક અહેવાલ મુજબ કોંગ્રેસના સિનિયર નેતાઓ ગાંધી પરિવારથી કંટાળ્યા છે. પરંતુ હવે એમને માટે બીજો કોઇ વિકલ્પ રહ્યો નથી. ડેડ એન્ડ પર આવી ચૂક્યા છે. જીવનભર નહેરુ-ગાંધી પરિવારની ભાટાઇ કરી. હવે ક્યાં જાય ?
કોણ સંઘરે, શા માટે સંઘરે ?


Comments
Post a Comment