હૈયે હતું એ હોઠે આવ્યું, અમારે તો શાસન પલટો કરવો છે, અરાજકતાવાદી બોલ્યા...


આખરે હૈયે હતું એ હોઠે આવી ગયું. શુક્રવાર, 16મી ઓક્ટોબરે પાટનગર નવી દિલ્હીમાં કહેવાતી તિરંગા યાત્રા વખતે પોલીસ વાનની બારીમાંથી ડાબેરી ચશ્મિસ્ટ નેતી નેહા બોરા બોલી, અમારે તો રેજિમ ચેન્જ જોઇએ છે. બાંગ્લાદેશે અમને માર્ગ દેખાડ્યો છે... બુલ શીટ ! ગયા અઠવાડિયે આ સ્થાનેથી કહેલું કે વડા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તો બહાનું છે. અસલી નિશાન વડા પ્રધાન અને ગૃહ પ્રધાન છે. થોડાક, યસ થોડાક, વાચકોને આ વાત આકરી લાગી હતી. પરંતુ આખરે દૂધનુ્ં દૂધ અને પાણીનું પાણી થઇ ગયું. દુઃખે છે પેટ અને કૂટે છે માથું એ આનું નામ.

સૌથી પહેલાં બાંગ્લા દેશની વાત કરીએ. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ક્યારેય લોકશાહી સ્થિર થઇ નહોતી. કહેવાતી લોકશાહીની પીઠ પાછળ લશ્કરી શાસન હતું. બીજી બાજુ ભારતમાં ક્યારેય લશ્કરી શાસન સ્થપાય એવી શક્યતા નહોતી. છેક ઇંદિરા ગાંધી વડા પ્રધાન હતા ત્યારથી આ વાત સ્પષ્ટ થઇ ગયેલી. ઇંદિરાજીએ ત્યારના લશ્કરી સેનાપતિ હસમુખા પારસી બાવા સામ માણેકશાને પૂછેલું કે આપણા દેશમાં લશ્કર બળવો કરે એવું બને ખરું ? સામ પોતાની ટેવ મુજબ હસી પડેલા. એમણે મેડમને સમજાવેલું કે આપણે ત્યાં દરેક રાજ્યના યુવાનો લશ્કરનો એક અનિવાર્ય હિસ્સો છે. આપણું લશ્કર ખરા અર્થમાં કોસ્મોપોલિટન છે એટલે લશ્કરી બળવો શક્ય નથી.... 

કોંગ્રેસી નેતાઓ આ હકીકત બરાબર જાણે છે એટલે જ લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ઊથલાવવા અરાજકતા સર્જવાનો જોખમી રસ્તો પસંદ કર્યો છે. પાકિસ્તાન અને બાંગ્લા દેશના લશ્કરમાં સોએ સો ટકા મુસ્લિમ યુવાનો છે એટલે લશ્કરી બળવો સહેલો છે, લોકશાહીને કચડવી ચપટી વગાડવા જેટલું આસાન છે. વિદેશી નાણાંના જોરે ભારતમાં અરાજકતા સર્જવાનો યોજનાપૂર્વકનો પ્રયાસ થઇ રહ્યો છે. સોશ્યલ મિડિયા પર આ મુદ્દે અસદ્દુદીન ઓવૈસીએ સ્પષ્ટ વાત કરી છે કે ભલે  નરેન્દ્ર મોદી સામે મારો એક કરતાં વધુ મુદ્દે વિરોધ છે પરંતુ જે રીતે શાસન પલટાના બૂમબરાડા થઇ રહ્યા છે એની જોડે હું સંમત નથી. મૂળ કહેવાતા આંદોલનકારીઓને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ સામે વાંધો છે. 

આપણા દેશમાં કેટલીક કહેવાતી એનજીઓ વિદેશથી અઢળક નાણાં મેળવે છે અને એ નાણાંનો બેધડક દુરુપયોગ કરે છે. એક સાવ નાનકડો મુદ્દો યાદ કરાવું. ઉત્તર પ્રદેશમાં એકાદ બે નહીં, સત્તર હજાર ભૂતિયા મદરેસા પકડાયા હતા. એક મદરેસામાં ધારો કે દસથી બાર બાળકો કુરાન-એ-શરીફ પઢતા હોય એમ માની લઇએ તો 17 હજાર મદરેસામાં કેટલાં બાળકો હોઇ શકે ? માંડો ત્રિરાશિ. આ સત્તર હજાર ભૂતિયા મદરેસા કેન્દ્ર સરકાર પાસેથી માતબર રકમ સહાય રૂપે મેળવતા હતા. યોગી આદિત્યનાથે એ બંધ કરાવ્યા.


આવી તો સેંકડો કહેવાતી એનજીઓ દેશમાં છે જે દેશવિરોધી કાર્યોમાં વિદેશી નાણાં છૂટથી વાપરે છે. ફરી યાદ કરાવું. કોકરોચ અભિષેક દીપકે બોસ્ટન યુનિવર્સિટીમાં અનુસ્નાતક થઇને કામ શોધતો હતો. બેકાર હતો. તો દિલ્હી આવીને આંદોલન કરવાના પૈસા ક્યાંથી કાઢ્યા ? દિલ્હીમાં ભાડેથી કે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હોય તો એનો નિર્વાહ શી રીતે થાય છે ? રોજિંદો ખર્ચ કોણ, કયા કારણે આપે છે ? વિચાર કરો પ્રિય વાચક. આવા તો ઘણા દીપકે આ કહેવાતા આંદોલનમાં સક્રિય છે. સાવ સાદી ભાષામાં કહું તો જમ્મુ કશ્મીરમાં પોલીસ અને સિક્યરિટી દળો પર પથ્થરમારો કરવા માટે કશ્મીરી બાળકોને રોજ પાંચ રૂપિયા ચૂકવાતા હતા એ જ રીતે દિલ્હીમાં ચાલી રહેલા તાયફા માટે જેન ઝીને રોજ અગાઉથી નક્કી કરાયેલું મહેનતાણું ચૂકવાય છે. એ સિવાય કોણ નવરું હોય કે રોજ સાંજ પડ્યે ધાંધલ કરવા આવી જાય ?

દેશની 130 કરોડની વસતિમાં રોજ સમજો કે પચાસ હજાર કે લાખ યુવાનો આંદોલન કરતા હોય તો એ કુલ વસતિનો એક ટકોય નથી થતો. અને પાછા આ લોકો શાસન પલટાની વાતો કરે છે. યે મૂંહ ઔર મસૂર કી દાલ ! નીત નવાં બહાનાં કાઢતા આવા અરાજકતાવાદીઓ સામે કડક હાથે કામ લેવું જ રહ્યું. શું કહો છો ?


Comments