2026ના અર્થાત્ ચાલુ વર્ષના સૌથી આઘાતજનક સમાચાર કયા એવો સવાલ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિમાં પૂછે તો જવાબ શો મળે ? સાચો જવાબ કદાચ આ હોઇ શકે. માત્ર બે વર્ષમાં ગુજરાત રાજ્યમાં વૃદ્ધાશ્રમો પરીકથાની રાજકુમારીની જેમ વધી ગયા. લગભગ દર ત્રણ કે પાંચ દિવસે એક નવું વૃદ્ધાશ્રમ ખુલે છે. એ સૌથી વધુ આઘાતજનક સમાચાર છે. ગુજરાતની જનરેશન ઝી (જેન ઝી)ને થયું છે શું ? એક સમયે બાળકો નિશાળમાં ગાતા- માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ.....આજે માતાપિતા ધર્માદાથી ચાલતા વૃ્દ્ધાશ્રમોમાં રોટલા તોડે છે. આવું કેમ થયું, વારુ ?
ગુજરાતને કોનું ગણાવશું ? મહાત્મા ગાંધીનું, સરદાર વલ્લભભાઇ પટેલનું, વીરપુરના જલારામ બાપાનું, બગદાણાના બજરંગદાસ બાપાનું.... પોલિટિશ્યનો તો છાશવારે ગાંધીનું ગુજરાત એમ બોલે છે. આપણે ગુજરાત કોનું ગંણાવીશું ? આ લખનાર રહેતો હતો એ અમદાવાદનું વસ્ત્રાપુર ગઇ કાલ સુધી રળિયામણું ઉપનગર ગણાતું હતું. એ વિસ્તારમાં માત્ર એક જીવન સંધ્યા નામે વૃદ્ધાશ્રમ જાણીતું હતું. આજે તો ચોમાસામાં ફૂટી નીકળતા બિલાડીના ટોપની જેમ ઘરડાઘરો ખુલવા માંડ્યાં છે. હજુ થોડા સમય પહેલાં વસ્ત્રાપુરમાં આલ્ફા મોલની પાછળ એક બંગલામાં શ્રી રામ વૃદ્ધાશ્રમ શરૂ થયું. હવે માનસી ટાવરથી વસ્ત્રાપુર લેક જવાના રસ્તે મેનેજમેન્ટ એન્ક્લેવની અડોઅડ સગુન પ્લાઝાનો એેક બંગલો વૃદ્ધાશ્રમમાં ફેરવાઇ ગયો છે. આશરે 90થી 95 લાખની વસતિ ધરાવતા અમદાવાદમાં છ્યાંસી જેટલા વૃદ્ધાશ્રમો સ્થપાઇ ગયા. સંસ્કાર નગરી ગણાયેલા વડોદરામાં આશરે 25 લાખની વસતિમાં 48 ઘરડાઘર છે, અર્વાચીનોમાં આદ્ય ગણાતા ભક્ત કવિ નરસિંહ મહેતાના જુનાગઢમાં માત્ર પાંચેક લાખની વસતિમાં 17 વૃદ્ધાશ્રમ છે, રાજકોટની આશરે 22 લાખની વસતિમાં 23 અને સૂરતની 70થી 75 લાખની વસતિમાં 63 ઘરડાઘર છે. વસતિના આ આંકડા તો છેક 2011માં થયેલી વસતિ ગણતરીના આધારે મળ્યા છે. સાચા આંકડા શ્રી રામ જાણે.
આવું કેમ થયું એ સમાજવિદ્યાના ઉપાસકોએ શોધવું જોઇએ. એક વાત સાચી કે છેલ્લાં વીસ પચીસ વર્ષમાં થયેલી તમામ રામાયણ અને શ્રીમદ્ ભાગવતની કથાઓ એળે ગઇ. કથાકારો, વ્યાસપીઠ શોભાવનારા વક્તાઓ અને અલબત્ત, રાજ્ય સરકાર તથા લોકપ્રતિનિધિઓેએ શરમ અનુભવવી જોઇએ. સમાજના પાયાનું એકમ જ કુટુંબ છે. માતાપિતા કુટુંબના મોભી છે. સંયુક્ત કુટુંબની પરંપરા તો ક્યારની નષ્ટ થઇ ગયેલી. હમ દો હમારે દોના નારાએ સંયુક્ત પરિવારને તો ક્યારનો ભૂલાવી દીધેલો. આંધળી માનો કાગળ અને દેખતા દીકરાનો જવાબ પણ વિસરાઇ ગયેલા. પ્રજ્ઞાચક્ષુ માતાપિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવનારો શ્રવણ માત્ર લોકસાહિત્યના ડાયરામાં ગવાય છે.
હવે તો માર્જિનલ એટલે કે સીમાંત ગણાતા કુટુંબ પણ ભાંગવા માંડ્યા. આમ થવાનું કારણ શું ? કોઇ સંતાનને માતાપિતા પ્રત્યે નફરત કે ધિક્કાર તો હોઇ શકે નહીં. ઊલટું, વાવાઝોડાના વેગે ધસી રહેલી મોંઘવારીને પહોંચી વળવા પતિપત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે સંતાનને સાચવવા માતાપિતા જ કામ લાગે. આયા કે નોકરના ભરોસે આંખના તારા જેવા સંતાનને ન મૂકી શકાય.
તો શું મોંઘવારી એટલી હદે વધી ગઇ કે સંતાનોને માતાપિતાનો ખર્ચ પરવડતો નથી કે પછી માતાપિતા સંતાનોની કહેવાતી સ્વતંત્રતા આડે આવે છે ? તાળી એક હાથે પડતી નથી. તાળી પાડવા માટે બે હાથ જોઇએ. જરૂર ક્યાંક કંઇક ખૂટે છે. એ શોધી કાઢવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે. ઘરડાઘરો વધે એ સંસ્કારી સમાજ માટે કલંક રૂપ ગણાવું જોઇએ. આજે જે પેઢી યુવાન છે એ આવતી કાલે પ્રૌઢ અને વયસ્ક થવાની જ છે. કોઇ કાયમ યુવાન રહેતું નથી. તમારા માતાપિતાને તમે ઘરડાઘરમાં મોકલો એ તમારા સંતાને નજરોનજર જોયું છે. આવતી કાલે તમારું સંતાન તમને પણ વૃદ્ધાશ્રમનો રસ્તો દેખાડી શકે. હિસ્ટ્રી રિપિટ્સ ઇટસેલ્ફ. (ઇતિહાસનું પુનરાવર્તન અચૂક થાય છે એવું કહેવાય છે.) વૃદ્ધાશ્રમો વધવાનાં આર્થિક, સામાજિક, મનોવૈજ્ઞાનિક અને પરિસ્થિતિજન્ય કારણો શોધીને કુટુંબ વ્યવસ્થા જળવાઇ રહે એવું કરવાની તાતી જરૂર છે.

Comments
Post a Comment