અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન, તુઝ પે દિલ કૂરબાન.. "


"આમ તો મેં પંદર સોળ ભાષામાં જુદી જુદી જોનરનાં અસંખ્ય ગીતો ગાયાં છે. પરંતુ કેટલાંક ગીતો મારા નામ સાથે એવી રીતે જોડાઇ ગયાં છે કે પૂછો ન વાત. દુનિયાભરમાં જ્યાં જ્યાં મેં સ્ટેજ શો કર્યા ત્યાં દરેક પ્રોગ્રામમાં મને અમુક ગીતોની ફર્માયેશ અચૂક આવતી. એવું એક ગીત એટલે અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન, તુઝ પે દિલ કૂરબાન. ફિલ્મ કાબુલીવાલા માટે સલિલ ચૌધરીએ આ ગીતની બંદિશ એવી બનાવી છે કે આ ગીત જ્યારે જ્યારે મેં ગાયું છે ત્યારે હું પોત્તે અને ઓડિયન્સ સુદ્ધાં, ભાવાવેશમાં રડી પડ્યાં છીએ... શબ્દ અને સ્વર જાણે દો જિસ્મ મગર એક જાન જેવા થઇ ગયા છે... " આ શબ્દો છે પાર્શ્વગાયક મન્ના ડેના. છેક 1892માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એક નાનકડી વાર્તા લખેલી. બંગાળના અનેક સાહિત્યપ્રેમીઓ આજે પણ માને છે કે આ વાર્તા એક સત્યઘટના પરથી જ ઠાકુરદા (રવીન્દ્રનાથનું હુલામણું બંગાળી નામ)એ લખી છે.

વાર્તા તો માત્ર ચાર લીટીની છે. સૂકો મેવો વેચતો એક અફઘાન ફરતો ફરતો કલકત્તા પહોંચે છે. ત્યાં એક મહોલ્લામાં વસતા ભદ્ર પરિવારની મીની નામની નાનકડી દીકરી સાથે એનું મન મળી જાય છે. મીનીમાં આ ડ્રાય ફ્રૂટ સેલરને પોતાની નાનકડી પુત્રીની પ્રતિકૃતિ દેખાય છે. બંનેને એકબીજાને મળ્યા વિના ચાલતું નથી. મીની એને કાબુલીવાલા તરીકે સંબોધે છે. યોગાનુયોગે એકવાર કોઇ ગ્રાહક સાથે બોલાચાલી થતાં ક્ષણિક આવેશમાં કાબુલીવાલા પેલાને છરી મારી દે છે. કાબુલીવાલાને દસ વર્ષની જેલની સજા થાય છે. 

જેલમાંથી બહાર આવીને એ મીનીને શોધે છે. પરંતુ હવે મીની કંઇ પાંચ છ વર્ષની બાલિકા નથી રહી. એનાં લગ્ન લેવાયાં છે. એના પિતા કાબુલીવાલાને સમજાવે છે કે તારી પુત્રી પણ હવે પરણવા જેવડી થઇ ગઇ હશે. તુ્ં એકવાર વતનની મુલાકાત લઇ આવ અને એને ગાડીભાડાના પૈસા આપે છે. વાર્તા પૂરી. રસપ્રદ વાત એ છે કે એક સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝના સેક્રેટરી તરીકે કામ કરી ચૂકેલા બંગાળી સર્જક હેમેન ગુપ્તાએ 1961માં આ વાર્તા પરથી કાબુલીવાલા નામે ફિલ્મ બનાવી. બલરાજ સાહની જેવા મંજાયેલા અભિનેતાએ કાબુલીવાલાના રોલમાં અત્યંત અદ્ભુત અભિનય કર્યો છે. એમની સાથે છે ઉષા કિરણ, સજ્જન અને બાળ કલાકાર સોનુ.

કથાનો વેગ જાળવી રાખવા નિર્માતા બિમલ રૉયે માત્ર ચાર ગીત રાખ્યાં છે. આ વખતે સલિલદા માટે  ગીતકાર-સંગીતકાર પ્રેમ ધવને ગીતો રચ્યાં છે. પરંતુ એક અજીબોગરીબ ઇત્તેફાકની વાત કર્યા વિના આ વાત અધૂરી ગણાય. બિમલ રૉયે ગીતકાર પ્રેમ ધવન પાસે બે જુદી જુદી ભાવનાનાં ગીતો લખાવેલાં. બંને ગીતો રેકોર્ડ થયાં. એક વતન પ્રેમનું અને બીજું ભક્તિગીત. બિમલ રૉયે બંને ગીતો એક અભ્યાસી જાણકારને સંભળાવ્યાં. જાણકારે વતનપ્રેમના ગીતને મોકળા મને બિરદાવ્યું. ભક્તિગીત એમને બહુ જામ્યું નહીં. બિમલદાએ પ્રેમ ધવનને ભક્તિગીતને બદલે બીજું ગીત લખી આપવાની વિનંતી કરી. એ દિવસોમાં પ્રેમ ધવન બીઝી હતા. એમણે બિમલદાને એક ઊગતા ગીતકારનું નામ સૂચવ્યું કે એમની પાસે લખાવી લો. બિમલદાએ એ સૂચનનું પાલન કર્યું. બિમલદાના એ જાણકાર મિત્ર કહો કે પ્રેમ ધવને જેમનું નામ સૂચવ્યું એ ઊગતા ગીતકાર કહો, એ મહાનુભાવને આજે દુનિયા ગુલઝાર તરીકે ઓળખે છે. એમનું મૂળ નામ સંપૂરનસિંઘ કાલરા. આ ઘટના બની ત્યારે ગુલઝાર સંપૂરનસિંઘ કાલરા હતા અને એક ગેરેજમાં મોટર મિકેનિક તરીકે યથાશક્તિ કામ કરતા ઉપરાંત રહેતા હતા. એમણે જે ગીત બિમલદાને લખી આપ્યું એ ગીત એટલે હેમંત કુમારના કંઠે આપણે માણ્યું એ. ગંગા આયે કહાં સે, ગંગા જાયે કહાં રે, લહરાય પાની મેં જૈસે ધૂપછાંવ રે... એ ગીતથી જ વાતનો આરંભ કરીએ.

આમ તો હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ઘણાં ગંગા ગીતો આવ્યાં છે, લોકપ્રિય પણ થયાં છે. પરંતુ ગુલઝારના આ ગીતે ગજબની મોહિની પ્રસારી. સાવ સરળ શબ્દોમાં ગુલઝારે અધ્યાત્મની ભાવના વ્યક્ત કરી છે. અંતરાના શબ્દો જુઓ-

રાત કારી, દિન ઊજિયારા, મિલ ગયે દોનોં સાયે, સાંજ ને દેખો, રંગ રૂપ કે કૈસે ભેદ મિટાયે રે, લહરાય પાની મેં જૈસે ધૂપ છાંવ રે..., કાંચ કોઇ માટી કોઇ, રંગબિરંગે પ્યાલે, પ્યાસ લગે તો એક બરાબર જિસ મેં પાની ડાલે રે,  લહરાય પાની મેં...,  નામ કોઇ બોલી કોઇ, લાખોં રૂપ ઔર ચહેરે, ખોલ કે દેખો પ્યાર કી આંખેં, સબ તેરે સબ મેરે રે, લહરાય પાની મેં જૈસે....  ભારતીય સંગીતના સ્નાતકને સંગીત વિશારદની ડિગ્રી અપાય છે. આ સ્નાતકના અભ્યાસક્રમના પહેલા પગથિયે જે પહેલો સરળ રાગ શીખવાડાય છે એ માત્ર પાંચ સ્વર (સા, રે, ગ, પ, ધ અને ફરી કોમન સાં)ના બનેલા રાગ ભૂપાલીમાં આ ગીત સાંભળનાર મંત્રમુગ્ધ થઇ જાય. જો કે વચ્ચે વચ્ચે સલિલદાએ રાગ ખમાજનો સ્પર્શ પણ કરાવ્યો છે. ઔર એક વાત. આ ગીતની તર્જ ભટિયાલી લોકસંગીત પર આધારિત છે. તમને યાદ હશે, પશ્ચિમ બંગાળના ભટિયાલી લોકસંગીત પર આધારિત એક યાદગાર ગીત આપણને એસ ડી બર્મને આપેલું સુનો મેરે બંધુ રે, સુનો મેરે મીતવા...(ફિલ્મ સુજાતા). 

મન્ના ડે જેને પોતાનાં માનીતાં ગીતોમાં સ્થાન આપે છે એ વતનપ્રેમનું ગીત અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન, તુઝ પે દિલ કૂરબાન... પણ ગુલઝારના ગીતની બરાબરી કરે એ રીતે પ્રેમ ધવને રચ્યું છે. એના અંતરામાં કવિએ ગજબ ભાવના વ્યક્ત કરી છે- મા કા દિલ બન કે કભી સીને સે લગ જાતા હૈ તુ, ઔર કભી નન્હીં સી બેટી બન કે યાદ આતા હૈ તુ, જિતના યાદ આતા હૈ મુઝકો, ઉતના તડપાતા હૈ તુ  તુઝ પે દિલ કૂરબાન... ખરેખર તો આ ગીત પણ આખું ટાંકવા જેવું છે. અહીં સંગીતકાર સલિલદાની સૂઝસમજનો જીવંત પુરાવો મળે છે. હજારો માઇલ દૂર પરદેશમાં વસતા વતનપ્રેમીના દિલની ઝંખનાને વ્યક્ત કરવા સલિલદાએ ચૌદ માત્રાનો દીપચંદી તાલ પસંદ કર્યો છે. એય પાછો અત્યંત મંથર ગતિેએ આગળ વધે છે. આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના લોકસંગીતમાં આ તાલ ખૂબ વપરાયો છે. કર્ણાટક સંગીતમાંથી ઉત્તર ભારતીય સંગીતમાં અપનાવાયેલો રાગ ચારુકેશી અહીં રીતસર કામણ પાથરે છે. જો કે અહીં પણ વચ્ચે વચ્ચે ભૈરવીની ઝલક આવી જાય છે.

એ જ દીપચંદી તાલમાં એક ગીત મુહમ્મદ રફીના કંઠમાં છે. જેમાં કાબુલીવાલા પોતાના દિલની વાત કરે છે.  ઓ યા કૂરબાન... વો આંખેં થી દિલબર કી યા નરગિસ-એ-મસ્તાના, દેખે હુએ ઉસ બૂત કો અબ હો ગયા જમાના, ઓ સબા કહના મેરે દિલબર કો, દિલ તડપતા હૈ તેરે દિદાર કો, ઓ યા કૂરબાન... આ વિરહગીત ભૈરવી રાગિણીમાં દર્દને ઘુંટી રહ્યું હોય એવી જમાવટ છે કરે છે.

છેલ્લું ગીત એક કોરસ છે જે હેમંત કુમાર, સવિતા બેનરજી, રાનુ મુખરજી અને ઉષા મંગેશકરના કંઠમાં છે. આ ગીત ખુશીમજાક રૂપે પરદા પર રજૂ થાય છે. નારાજ હોવાથી આંસુ સારતી મીનીને ફરી મલકતી કરવા ગવાય છે. મોજિલા રાગ પહાડીમાં આ ગીતને બે તાલમાં વહેંચી દેવાયું છે. થોડો હિસ્સો છ માત્રાના દાદરા તાલમાં ચાલે છે તો થોડો હિસ્સો આઠ માત્રાના કહરવા તાલમાં વહ્યે જાય છે. શબ્દો છે કાબુલીવાલા કાબુલીવાલા, નન્હીં મુન્ની ક્યૂં  કમલાયા, તેરા મુખડા પ્યારા, ક્યા ખોઇ હૈ ગુડિયા તેરી યા કિસીને મારા, રૂઠ ગયા ક્યા તેરા બંદર, ટૂટ ગયા ક્યા હાથી, યા ફિર તુઝ સે બિછડ ગયા તેરા કોઇ સાથી, કાબુલીવાલા, હાં હાં ક્યા વો દાઢી મૂછોંવાલા... અત્યંત રમતિયાળ એવું આ ગીત સરસ બાળગીત છે. પરદા પર ખૂબ સુંદર રીતે ફિલ્માંકન થયું હતું.

બ્લેક એન્ડ વ્હાઇટ હોવા છતાં ફિલ્મ હિટ નીવડી હતી અને સંગીત સુપરહિટ નીવડ્યું હતું.


Comments