દેશ અને દુનિયાભરમાં ધામધૂમથી ગણેશોત્સવનો આરંભ સોમવાર, 13 સપ્ટેંબરથી શરૂ થઇ ચૂક્યો છે. દુનિયાભરમાં વસતા શ્રદ્ધાળુઓએ પોતાને ત્યાં વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાને બિરાજમાન કર્યા હશે. કોઇ એક દિવસના, કોઇ દોઢ કે બે દિવસના અને સાર્વજનિક મંડળો દસ દિવસના ગણપતિ બાપ્પાની સાધના કરશે. લોકમાન્યનું હુલામણું બિરુદ મેળવનારા બાળ ગંગાધર ટિળકે 1893માં સાર્વજનિક ગણેશોત્સવની સ્થાપના કરી ત્યારે તેમનો ઉદ્દેશ વિદેશી શાસન સામે દેશની પ્રજાને સંગઠિત કરવાનો હતો. એ સમયે હજુ મહાત્મા ગાંધી કે મુહમ્મદ અલી ઝીણા લોકનેતા તરીકે સ્થાપિત થયા નહોતા. ટિળક કેસરી નામે અખબાર પણ ચલાવતા. એ વિઝનરી એટલે કે દુરદ્રષ્ટા હતા. સમાજમાં વિવિધ ન્યાતજાતમાં વહેંચાયેલા લોકોને સંગઠિત કરવાની જરૂર છે એવું સૌથી પહેલાં ટિળક સમજ્યા હતા. એટલે તેમણે ગણેશોત્સવ શરૂ કરાવ્યો. 1891માં ત્યારની બ્રિટિશ સરકારે કરાવેલી વસતિ ગણતરી મુજબ એ સમયે દેશની વસતિ આશરે 28થી 29 કરોડની હતી. ચોક્કસ આંકડો કહીએ તો 28 કરોડ, 72 લાખ, 23,431 જેટલી દેશની વસતિ હતી.
આજે એકલા મહારાષ્ટ્રની વસતિ અંદાજે તેર કરોડની છે. દેશ આખાની વસતિ અંદાજે સવાથી દોઢ અબજની છે. ટિળકે ગણેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે સમાજમાં જેટલી વાડાબંધી અને મતમતાંતરો હતાં એના કરતાં આજે અનેકગણા વધુ છે. ટિળકે જે ઉદ્દેશથી ગણેશોત્સવ શરૂ કરાવેલો એ ઉદ્દેશ આજે સૌથી વધુ સુસંગત છે. દેશના શાસક પક્ષના નેતાઓ અને ખાસ તો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કહે છે એમ હિન્દુ સમાજે પરસ્પરના ભેદભાવ ભૂલીને સંગઠિત થવાની તાતી જરૂર છે. એક તરફ પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવા અટકચાળા પાડોશીઓ અને બીજી તરફ લવ જિહાદ તેમજ આતંકવાદ જેવાં ઝનૂની પરિબળો. આજે હિન્દુ સમાજ સમક્ષ વધુ આક્રમક પરિબળો સક્રિય છે. અગાઉ એકતા અને સંગઠનની ક્યારેય નહોતી એવી અનિવાર્ય જરૂરિયાત આજે છે.
આઝાદીના સંગ્રામ વખતે ગવાતું એક ગીત યાદ આવે છે- નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે... આ શૌર્ય ગીત આજે વધુ સુસંગત છે. સમયનો રથ તો અતિ વેગે વહ્યો જાય છે. આપણે સૌએ કુંભકર્ણની નિદ્રા ત્યજીને તત્કાળ જાગી જવાની જરૂર છે. સંતો કહે છે જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ.... ગણપતિ બાપ્પા વિદાય લેશે ત્યારબાદ આવશે નવરાત્રિ. આ લેખક નમ્રપણે માને છે કે ભગવાનૈ શ્રી કૃષ્ણે શરૂ કરાવેલી રાસલીલાનો ઉદ્દેશ પણ લોકોને સંગઠિત કરવાનો હશે. ગરબા કે દાંડિયા રાસમાં સમાજના તમામ વર્ગના લોકો સહભાગી થાય છે. રંગબેરંગી ચણિયા-ચોળી કે કેડિયું-પાઘડી ને સૂરવાલ પહેરીને ઉલટભેર રમતા જેન ઝીમાં કોણ કઇ ન્યાત કે જાતનું છે એ કોઇ પૂછતું નથી.
વાસ્તવમાં આપણા રૂષિ-મુનિઓએ ઉત્સવોનો આરંભ જ આ હેતુથી કર્યો છે. ઉત્સવના બહાને નાના-મોટા, ઊંચ-નીચ બધાં ભેળાં થાય અને ઊજવણી નિમિત્તે સંગઠિત થાય. એ હેતુને સતત ધ્યાનમાં રાખીને ગણેશોત્સવ કે નવરાત્રિ ઊજવવાની છે. માત્ર ગણપતિ બાપ્પાની પ્રતિમા સ્થાપીને, સવાર-સાંજ આરતી કરીને, મીઠડા મોદક ખાને બેસી રહેવાનું નથી.
સમયના તકાજાને સમજવાનો છે. ગણેશોત્સવના ઉદ્દેશને સાકાર કરવાનો છે. એકવાર હાથમાંથી સમય સરકી જશે તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. છેલ્લાં એક હજાર વરસમાં જેટલા વિદેશી આક્રમણખોરો આવ્યા એ બધાં ફાવી જવાનું કારણ એક જ. આપણે સંગઠિત નથી. આપણે હજુય ન્યાતજાતની વાડાબંધીમાં અટવાયેલા છીએ. હજુય છૂતાછૂતનું કલંક સમાજમાં પ્રવર્તે છે. તત્કાળ જાગવાનું છે, અન્યોને જગાડવાનાં છે.
યોગાનુયોગે લોકમાન્ય ટિળકના પૂણેમાં જ ગણેશોત્સવ ટાણે ડિસ્ક જોકી (ડીજે) પર પ્રતિબંધ મુકવાના મુદ્દે વિવાદ સર્જાયો છે. વરસો પહેલાં એક કાર્ટુનિસ્ટે કટાક્ષચિત્ર બનાવેલું કે ગણપતિ બાપ્પા પોતાના વાહન સમા મૂષકને કહે છે કે આ લોકો એટલો ઘોંઘાટ કરે છે કે મારા કાનમાં ધાક પડી ગઇ છે. યસ્સ, આ ઉત્સવમાં ડીજેની જરૂર ક્યાં છે ? અગાઉ કહેલું કે નિષ્ણાત ઇએનટી ડૉક્ટરોના કહેવા મુજબ 75 ડેસિબલથી વધુ અવાજ આરોગ્ય માટે ભયજનક છે. હૃદયના ધબકારા વધી જાય, મગજ બહેર મારી જાય અને ક્યારેક માણસ કાયમ માટે ઢળી પડે. આ વિવાદ બિનજરૂરી છે.

Comments
Post a Comment