લાગી નાહિં છૂટે રામ ચાહે જીયા જાય



આજે સિનમેજિકનો આરંભ જરા જુદી રીતે કરીએ છીએ. 1950ના દાયકાની વાત છે. એ દિવસોમાં ટોચના ફિલ્મ કલાકારો, કસબીઓ મુંબઇની લોકલ ટ્રેનમાં આવ-જા કરતા. એકવાર  સંગીતકાર નૌશાદ, લતા મંગેશકર અને દિલીપ કુમાર સહપ્રવાસી હતાં. નૌશાદે દિલીપ કુમારને લતાનો પરિચય કરાવતાં કહ્યું કે આ લતા મંગેશકર છે. એનું ભાવિ ખૂબ ઊજળું છે. અચ્છી ગાયિકા છે. દિલીપ કુમારે કોઇ અણગમા કે તિરસ્કાર વિના સાવ સહજપણે કહ્યું કે ઇન કે ગાને મેં દાલ-ભાત કી બૂ આતી હૈ... ( આ એ દિવસોની વાજ્યારે લતાજી શુદ્ધ ઊર્દૂ ઉચ્ચારો કરી શકતા નહોતાં.) લતાને હાડોહાડ લાગી આવ્યું. એ સમયે લતાજી પોતાના પરિવાર સાથે ગામદેવી વિસ્તારમાં રહેતાં. તે દિવસે સાંજેજ લતાએ એક ઊર્દૂ શિક્ષક શોધી કાઢ્યા. એમની ગ્રહણશક્તિ એટલી બધી પાવરફૂલ હતી કે ત્રણેક માસમાં એ શુદ્ધ ઊર્દૂ ઉચ્ચારો બોલતાં-ગાતાં થઇ ગયાં. પાછળથી જો કે દિલીપ કુમારે લતાના ઊર્દૂ ભાષા પરના કાબુની એક કરતાં વધુ વખત જાહેરમાં પ્રશંસા કરેલી. લતાએ પણ પાછળથી દિલીપ કુમારને રાખડી બાંધીને ભાઇ બનાવી લીધેલા. પરંતુ દાલભાત કી બૂવાળા શબ્દો લતાજી ભૂલ્યાં નહોતાં. એક સોનેરી તક એવી આવી જ્યારે લતાએ કચકચાવીને બદલો લઇ લીધો. કઇ રીતે એ આજે સિનેમેજિકમાં વાંચો.

એક મકાન. એમાં એક પછી એક ત્રણ પરિવારો ભાડૂત તરીકે રહેવા આવે. પહેલું ભાડુત એક ભાગીને લગ્ન કરનાર દંપતી શેખર અને સુચિત્રા સેન. બીજા ભાડૂત વડીલ નાઝિર હુસૈન, એની વિધવા અને પ્રેગનન્ટ પુત્રવધૂ નિરુપા રોય તથા ગ્રેજ્યુએટ બેકાર પુત્ર કિશોર કુમાર. ત્રીજા ભાડૂત એક બેરિસ્ટર, એની વિધવા બહેન (ઉષા કિરણ) અને બહેનની અપંગ પુત્રી (ડેઇઝી ઇરાની). ત્રણેનાં સંજોગો અલગ અને સ્થિતિ અલગ. બીજા શબ્દોમાં એમ કહો કે ત્રણ ટૂંકી વાર્તા એક ફિલ્મમાં રજૂ કરવાનો આ એક અનેરો પ્રયોગ હતો. વિદ્વાન સમીક્ષકોએ લખેલું કે આ ફિલ્મના સર્જક પોતાના સમય કરતાં આગળ છે. એવુંજ કંઇક મહેબૂબ ખાનની અમર ફિલ્મ વખતે થયેલું. અહીં આપણે વાત ફિલ્મ મુસાફિરની કરવાની છે. કલકત્તાના ન્યૂ થિયેટર્સમાં કેમેરામેન તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ ફિલ્મ સર્જક બિમલ રૉય સાથે સહાયક તરીકે મુંબઇ આવેલા હૃષીકેશ મુખરજીની સ્વતંત્ર ડાયરેક્ટર તરીકેની આ પહેલી ફિલ્મ. હૃષીદાને માસ્ટરજી કહીને સંબોધતાં ગુલઝાર આ ફિલ્મને ધ્યાનમાં રાખીનેજ કહે છે કે હૃષીદા પોતાના સમય કરતાં ઘણા આગળ હતા.

અહીં મહાદેવ ચૌધરી (અભિનેતા ડેવિડ) નામે મકાન માલિક છે, ચાવાળો (મોહન ચોટી) છે, એક મહિલા અને એની પુત્રી (બેબી નાઝ) તથા પોસ્ટમેન આ ચાર પહેલેથી છેલ્લે સુધી રહે છે. બાકીના બધા એક પછી એક ભાડૂત તરીકે આવે છે અને જાય છે. છેક છેલ્લી વાર્તામાં આપઘાત કરવાની હદે શરાબી બની ગયેલો એક વાયોલિનવાદક સંગીતકાર રાજા (દિલીપ કુમાર ) આવે છે જે પરાકાષ્ઠાનાં દ્રશ્યોમાં મરણ પામે છે. હૃષીદાએ માત્ર છ લાખ રૂપિયામાં આ પ્રયોગશીલ ફિલ્મ બનાવેલી. એમને બેસ્ટ ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળેલો. અહીં શૈલેન્દ્રનાં ગીતોને સલિલ ચૌધરીએ સંગીતબદ્ધ કર્યા છે. એક ફિલોસોફિકલ ગીત છે. એક ભજન છે. એક માતાની મમતાને બિરદાવતું બાળ ગીત છે, એક વાસ્તવિકતા રજૂ કરતું ગીત છે અને એક અર્ધક્લાસિકલ રચના છે.

અર્ધક્લાસિકલ રચનાથી વાત શરૂ કરીએ. અહીં લતાએ દિલીપ કુમાર સાથે લીધેલા કહેવાતા બદલાની વાત છે. આ લખનારે એક સંગીતકારના મોઢે સાંભળેલી વાત મુજબ લતાએ સલિલ ચૌધરી સાથે સેટ કરેલું કે આ ગીતમાં તમે મારા સહગાયક તરીકે મુહમ્મદ રફીને બદલે દિલીપ કુમારના કંઠે ગવડાવો. સલિલદાએ હા પાડી. હવે દિલીપ કુમાર ભલે ભારતીય સંગીતના અભ્યાસી-ચાહક પરંતુ ગાયક તરીકે એમણે કદી પદ્ધતિસરની તાલીમ લીધેલી નહીં. ફિલ્મ કોહિનૂર વખતે ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાન પાસે સિતારવાદનની તાલીમ લીધેલી. પરંતુ કોહિનૂર તો આવી 1963-64માં અને મુસાફિર આવી 1957માં. દિલીપ કુમાર ઊંઘતા ઝડપાઇ ગયા. રાગ મિશ્ર ખમાજમાં આઠ માત્રાના કહરવા તાલમાં સલિલદાએ એક ગીત સ્વરાંકિત કર્યું- લાગી નાહિં છૂટે રામા ચાહે જીયા જાય, મન અપની મસ્તી કા જોગી, કૌન ઇસે સમજાય, રામા ચાહે જીયા જાય... સલિલદાએ રચેલી મૂળ તર્જમાં પોતાની રીતે લતાએ એવી કંઠની હરકતો ઉમેરી દીધી કે ખુદ સલિલદા અને અલબત્ત, દિલીપ કુમાર સ્તબ્ધ થઇ ગયા. ગીત સાંભળનારને તરત ખ્યાલ આવી જાય કે લતા ક્લાસિકલ સંગીત શીખેલી અને કસાયેલા કંઠની સ્વામિની છે અને દિલીપ કુમાર તદ્દન શીખાઉ ગાયક છે. જો કે સ્વભાવે મુત્સદ્દી દિલીપ કુમાર પરિસ્થિતિ સમજીને ગમ ખાઇ ગયા. આ જ ગીત પાછળથી એકલા દિલીપ કુમારના કંઠમાં પણ છે. અગાઉ કહ્યું એમ પાછળથી દિલીપ કુમારને રાખડી બાંધીને લતાએ સંબંધ સુધારી લીધા.



એક બાળગીત કિશોર કુમારના કંઠમાં છે. મુન્ના બડા પ્યારા, અમ્મી કા દુલારા, કોઇ કહે ચાંદ કોઇ આંખ કા તારા.. આ ગીત સાથે એક સરસ સત્યઘટના સંકળાયેલી છે. શૈલેન્દ્ર આ ગીત રચતા હતા ત્યારે એમને પોતાના ઘરમાં બનેલી એક નાનકડી પણ રસપ્રદ ઘટના યાદ આવી ગઇ. પોતાની માતાને રોજે રોજ ચૂલા સામે પરસેવે રેબઝેબ સ્થિતિમાં રસોઇ કરતી જોઇને શૈલેન્દ્રના પુત્ર શૈલીએ એકવાર પોતાની માતાને કાલી ઘેલી બોલીમાં કહેલું, મમ્મી, હમ રોટિયોં કા પેડ ક્યોં નહીં લગા લેતે ? આ વાત યાદ આવતાં શૈલેન્દ્રે એક અંતરો આ રીતે લખ્યો- એક દિન વો માસે બોલા, ક્યોં ફૂંકતી હૈ ચૂલ્હા, ક્યોં ન રોટિયોં કા હમ પેડ લગા લેં, આમ તોડે, રોટી તોડે, આમ રોટી ખા લેં... કિશોર કુમારે પોતાની આગવી શૈલીમાં આ ગીતને લાડ લડાવ્યા છે. 

અગાઉ આપણે સંગીતકાર (શંકર) જયકિસનને અને ગાયક મૂકેશને પરદા પર જોયા છે. મુસાફિર ફિલ્મમાં એક ગીતમાં શૈલેન્દ્ર પોતે ગળામાં હાર્મોનિયમ લટકાવીને સડક પર ગવાતા ગીતમાં રજૂ થયા છે. આ ગીત મન્ના ડે અને શમસાદ બેગમના કંઠમાં છે. ટેઢી ટેઢી હમ સે ફિરે સારી દુનિયા, હર કોઇ નજર બચા કે ચલા જાય દેખો, જાને કાહે હમ સે કટે દુનિયા.... આ ગીત કથાને વહેતી રાખવા અને ઓડિયન્સને કંટાળો ન આવે એ માટે મૂક્યું જણાય છે.

ફિલ્મની ત્રણે વાર્તાને પૂરક નીવડે એવું ફિલોસોફિકલ ગીત બંગાળી ગાયક શ્યામલ મિત્રના કંઠમાં છે- એક આયે એક જાયે મુસાફિર, દુનિયા એક સરાઇ... સરાઇ એટલે ધર્મશાળા. અગાઉ આ ફિલ્મનું નામ ધર્મશાલા રાખેલું. પછી મુસાફિર કર્યું. આ ગીતમાં આપણને ઘડી બે ઘડી મળતા અને પછી છૂટા પડી જતા સંબંધોની વાત છે. બાય ધ વે મૂર્ધન્ય ગુજરાતી કવિ નિરંજન ભગતનું ગીત તમને યાદ હશે- આપણો ઘડીક સંગ, આતમને તોય લાગી જશે  જનમોજનમ એનો રંગ...

અને છેલ્લે, એક ભજન છે. લતાના કંઠમાં રજૂ થતા આ ભજનના બોલ છે- મન રે હરિ કે ગુન ગા, તુમ સંગ પ્રીત લગાયી, મન રે હરિ કે ગુન ગા... આ ગીતમાં રામાયણમાં જેનો ઉલ્લેખ આવે છે એ અહલ્યાની અને મેવાડની  મહારાણી ભક્ત કવયિત્રી મીરાં ના પ્રભુપ્રેમની વાત છે.

આ ફિલ્મને ધાર્યા કરતાં વધુ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ હિટ નીવડી હતી. એ પછી તો હૃષીદાએ ઘણી યાદગાર ફિલ્મો આપી.   


Comments