સંગીતકાર કલ્યાણજી આણંદજીના સંગીતની લેખમાળા નિયમિત વાંચતા કેટલાક રસિકોએ મીઠ્ઠી રાવ કરી છે કે પ્રકાશ મહેરા અને અમિતાભ બચ્ચનની મુકદ્દર કા સિકંદર પછી પણ હેરાફેરી અને ખૂનપસીના આ બંનેની જ હતી.. જો કે ખૂન પસીનાનું નિર્દેશન પ્રકાશ મહેરાએ નહોતું કર્યું. એના વિશે કેમ ન લખ્યું. આ સ્તંભમાં તો સંગીતકારોની કારકિર્દીની ઝલક રજૂ કરીએ છીએ. દરેક ફિલ્મના દરેક ગીતની વાત કરવાનું શક્ય બનતું નથી.
આજે જે ફિલ્મની વાત કરવાની છે એ પણ એક જ્યુબિલી ફિલ્મ હતી. કથામાં નવીનતા નહોતી પરંતુ જે રીતે કથાની માવજત કરવામાં આવી હતી એ વખાણવા જેવી હતી. અમિતાભની એંગ્રી યંગ મેનની ઇમેજને અનુરૂપ મસાલો ભરવામાં આવ્યો હતો. ફિલ્મના સંગીતે રીતસર ધમાલ મચાવી હતી. આ ફિલ્મે સુવર્ણ જયંતી ઊજવી હતી. આજે રૂપિયાના ચલણની જે કિંમત છે એ ધ્યાનમાં લઇએ તો આ ફિલ્મે 150 કરોડથી વધુ કમાણી કરી હતી. 1981માં આ ફિલ્મે નવ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
એક શ્રીમંત રાજકુમાર (અમજદ ખાન) અને એક ક્લબ સિંગર ટાઇપની યુવતી (રાખી) વચ્ચેના સંબંધથી એક બાળક જન્મે છે. એ જાણીને રાજકુમાર રણવીર સિંઘ સંબંધ તોડીને ચાલ્યો જાય છે. પેલા અનૌરસ બાળકને એક રીઢો શરાબી ગંગુ (ડોક્ટર શ્રીરામ લાગુ) ઊછેરે છે.
ફિલ્મમાં એક સિવાયનાં બધાં ગીતો અંજાનનાં હતાં. એક ગીત પ્રકાશ મહેરાએ લખ્યું હતું. અરબી શૈલી અકબંધ રાખીને ભૈરવીમાં એક સરસ ગીત કિશોર કુમારે ગાયું હતું. રોતે હુએ તો આતે હૈં સબ ટાઇપના શબ્દો ધરાવતા આ ગીતનું મુખડું હતું- ‘જિસ કા કોઇ નહીં ઉસ કા ભી ખુદા હોતા હૈ યારોં, મૈં નહીં કહતા, કિતાબોં મેં લીખા હૈ યારોં..’ આ ગીત જબરદસ્ત લોકપ્રિય થયું હતું પરદા પર એક કરતાં વધુ વખત આ ગીત રજૂ થયું હતું.રાખી, ઝીનત અમાન, અમિતાભ બચ્ચન, અમજદ ખાન વગેરે પર ફિલ્માવાયેલા જે ગીતે દુનિયાભરમાં તહલકો મચાવી દીધો હતો એ ગીત એટલે ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...’ અમિતાભ બચ્ચન અને અલકા યાજ્ઞિકે ગાયેલું આ ગીત ગલી ગલીમાં અને ફિલ્મ સંગીતના તમામ સ્ટેજ પ્રોગ્રામમાં ગૂંજ્યું. કલ્યાણજી આણંદજી સાથે અમિતાભ બચ્ચન અને કિશોર કુમારે વિદેશોમાં પણ આ ગીતમાં અમિતાભ જયા બચ્ચનને ઊંચકીને એક અંતરો ગાતો અને ઓડિયન્સ પાગલ થઇ જતું. આ ગીતને કારણે રણવીર સિંઘ હીરા (અમિતાભ બચ્ચન)ને પોતાના પુત્ર તરીકે પિછાણે છે અને વાર્તાનો સુખદ અંત આવે છે.કબ કે બિછડે હુએ હમ આજ કહાં આ કે મિલે, જૈસે શમ્મા સે કહીં લૌ યે ઝિલમિલા કે મિલે... ઝીનત અને અમિતાભ પર ફિલ્માવાયેલું આ ગીત કિશોર અને આશા ભોંસલેના કંઠમાં જમાવટ કરતું રોમાન્સરંગી ગીત હતું.
આ બંને કલાકારો પર જ ફિલ્માવાયેલું ઔર એક સરસ ગીત એટલે ‘કાહે પૈસે પે ઇતના ગુરુર કરે, યહ પૈસા તો અપનોં સે દૂર કરે દૂર કરે હૈં...’ ફિલસૂફીયુક્ત આ ગીત પણ હિટ નીવડ્યું. કિશોર કુમારે પોતાની નટખટ શૈલીમાં આ ગીત રજૂ કરેલું.
રણવીર સિંઘના બીજા લગ્નથી થયેલા નઠારા પુત્ર મહેન્દ્ર સિંઘ (રણજિત) પર હીરા કટાક્ષ કરે છે એ ગીત પણ કિશોર કુમારે અલ્લડ યુવાન ગાતો હોય એ રીતે જમાવ્યું હતું. એનું મુખડું હતું ‘અપની તો જૈસે તૈસે, થોડી ઐસે યા વૈસે, કટ જાયેગી, આપ કા ક્યા હોગા જનાબે આલી, અપને આગે ના પીછે, ના કોઇ ઉપર નીચે, ના કોઇ રોનેવાલા, ના કોઇ રોનેવાલી જનાબે આલી...’
ફિલ્મના સમગ્ર સંગીતમાં એક તરફ કલ્યાણજી અને પુત્ર વિજુ હતા તો રિધમ સાઇડમાં આણંદજી, બાબલા અને દીપક આણંદજી હતા. એક પરિવારના આ નબીરાઓએ સંગીતને સુપરહિટ બનાવવા રીતસર પરસેવો વહાવ્યો હતો. આ ફિલ્મના ગીતો અમિતાભે દુનિયાભરના સ્ટેજ શોમાં રજૂ કરીને હિન્દી નહીં જાણનારા વિદેશી સંગીત રસિકોને પણ ઘેલા કર્યા હતા.
Comments
Post a Comment